
ભારત હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારત સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલાવાની મહત્ત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 11 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 20 જૂન પછી ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં 11થી 15 જૂન સુધીની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તારીખવાર વરસાદી માહોલ જોવા મળશે.
11 અને 12 જૂનના રોજ નવસારી, તાપી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
13 જૂને આ વિસ્તારો ઉપરાંત સુરત, નર્મદા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે.
જ્યારે 14 અને 15 જૂનના રોજ ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડશે. સૌરાષ્ટ્ર પંથકમાં આગામી ત્રણ દિવસ હવામાન મુખ્યત્વે સૂકું રહ્યા બાદ 12થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળશે.




