ઈસુદાન ગઢવી બન્યા AAPના CM ઉમેદવાર: કેજરીવાલે કહ્યું, 73% લોકોએ તેમને પસંદ કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે.
એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે. પરંતુ કોંગ્રેસ અને AAPની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું. ત્યારે AAPએ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છે.

29 ઓક્ટોબરે કેજરીવાલે સુરતમાં માંગ્યો હતો જનતાનો અભિપ્રાય

ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરના રોજ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને CM તરીકે જોવા માંગે છે. ત્યારે તેઓએ જનતાનો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જાહેર કર્યો હતો, જેની પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગઇકાલના રોજ ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય માંગ્યો હતો.
14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા

ઇસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા.

એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો ‘મહામંથન’ શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઇશુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી.
જોકે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના ​​રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.’